દયારામ
Dayaram
મારું ઢણકતું ઢોર ઢણકે છે સહુ નગ્રમાં,
સીમખેતર ખળું કાંઈ ન મૂકે;
ના જાવું જાય ત્યાંહાં, ના ખાવું ખાય તે,
રખડવું નિત્ય તે એમાં ન ચૂકે. મારું...
વાળી લાવું ઘેર ને ઘોતું માંડું ગળ્યું,
લીલું નીરું છ પણ તે ન સૂંઘે;
પહેલાં રાડાંઓ ઘાસ કહ્યું કૂસકા
માર ખાઈને પણ તે જ ઠૂંગે. મારું...
હેડલો-હોડેરડો મારો માન્યો નહીં,
થયું હરાડું, હાવાં હું તો હાર્યો;
વશ મારે નથી તદપિ મારું કહાવ્યું,
(માટે) રહું છું ભયભીત ચિંતાનો માર્યો. મારું...
રે ગુરુ આ ગોપાળ મેં અરપ્યું એ આપને,
વશ કરી રાખો નિજ પાસ માગું;
સાધુપણું શીખવી વૃંદાવન ચારજો,
કલેશ મારા ટળે પાય લાગું. મારું...
હે હૃષીકેશ, એ કલેશ મુજ મનતન તણા
આપ ટાળો, કરો શુદ્ધ સાચું;
સ્મરણ સેવન બને અહરનિશ આપનું,
અચળ આનંદ માને એહ જાચું. મારું...
મને મતિ બગડતાં સર્વ કાંઈ બગડિયું,
ડરવું બહુ નાથજી દયા આણો;
જન દયાનો પ્રિ'તમ શ્રીગોવરધનધરણ,
કરુણાદૃષ્ટે જુઓ, નિજનો જાણો. મારું...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 63)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
