મારી વાડીના ભમરા
Mari Vadi na Bhamra
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
મારી વાડીના ભમરા, વાડી મારી વેડીશ મા;
વાડી વેડીશ મા ફૂલડાં તોડીશ મા. મારી વાડીના ભમરા...
મારી વાડીમાં, વહાલા પવન પાંદડીઓ;
ધીરજ ધરજે, મન! તું દોડીશ મા. મારી વાડીના ભમરા...
મારી વાડીમાં વહાલા, ચંપો ને મરવો;
વાસ લેજે તું, ફૂલ તોડીશ મા. મારી વાડીના ભમરા...
મારી વાડીમાં વહાલા, આંબો રે મોર્યો;
પાકા લેજે, કાચા તોડીશ મા. મારી વાડીમાં ભમરા...
મારી વાડીમાં વહાલા, ત્રિકમ ટોયો;
ગોફળ લેજે, ગોળો છોડીશ મા. મારી વાડીમાં ભમરા...
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર;
ચરણકમલ ચિત્ત છોડીશ મા. મારી વાડીના ભમરા...
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 23)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
