mare gher aavajo mava, matha ne kodri khava - Pad | RekhtaGujarati

મારે ઘેર આવજો માવા, મઠાં ને કોદરી ખાવા

mare gher aavajo mava, matha ne kodri khava

નાનો નાનો
મારે ઘેર આવજો માવા, મઠાં ને કોદરી ખાવા
નાનો

મારે ઘેર આવજો માવા, મઠાં ને કોદરી ખાવા.

કઢીમાં તો કર બોળીને, સૈડકા સૈડાસૈડ;

મુખડું મીઠું થાય રે માવા, પ્રીતે પાપડ કઈડ. મારે...

આંબલીની તો કઢી કરી છે, માંહી મઠાંની દાળ;

છાંટો નાખું શામળા, તું તો ભાણું સામું ભાળ. મારે...

ભાવના ભૂખ્યા છો ભૂધરજી, ગુણ મને લાધ્યા;

સંસેક પેલા સુદામાના તાંદુલ તમે ખાધા. મારે...

કાંગ માટે કહાનજી તમે વિપ્રને કીધો રાજી;

કરમાબાઈનો કૂર ખાધો, ખાધી વિદુરની ભાજી. મારે...

શરમાઓ તો શામળા, તમને મારા સમ;

એકાંતે આવો એકલા, કોઈ નથી બીજું અન્ય. મારે...

ભૈડકાનો તો ભાવ થયો છે. ભૈડકું ઝીણું ભઈ;

મોળી છાશમાં માવજી રે, તું નાનું કેરું કઈડ. મારે...

પાંચકણીની પૂરી કીધી, પાશેર મેલ્યું દૂધ;

નાનાના સ્વામી જમી ઊઠીને, કરજો કૂદાકૂદ. મારે...

રસપ્રદ તથ્યો

કૂર - રાંધેલા ભાત, પાંચકણીની - પાંચ પ્રકારના અનાજ ભેગાં કરીને

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોષી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941