tarna othe Dungar re - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તરણા ઓથે ડુંગર રે

tarna othe Dungar re

ધીરો ધીરો
તરણા ઓથે ડુંગર રે
ધીરો

તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં,

અજાજૂથ માંહે રે, સમરથ ગાજે સહી. તરણા૦

સિંહ અજામાં કરે ગર્જના, કસ્તુરી મૃગરાજન,

તલને આથે જેમ તેલ રહ્યું છે, કાષ્ટમાં હુતાશન;

દધિ-ઓથે ધૃત રે, વસ્તુ એમ છૂપી રહી. તરણા૦

કોને કહું ને કોણ સાંભળશે? અગમ ખેલ અપાર,

અગમ કેરી ગમ નહીં રે, વાણી પહોંચે વિસ્તાર;

એક દેશ એવો રે બુદ્ધિ થાકી રહે તહીં. તરણા૦

મન-પવનની ગતિ પહોંચે, અવિનાશી રે અખંડ,

રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મ પૂરણ, જેણે રચ્યાં બ્રહ્માંડ;

ઠામ નહીં ઠાલો રે, એક અણુ માત્ર કહીં. તરણા૦

સદગુરુજીએ કૃપા કરી ત્યારે, આપ થયા રે પ્રકાશ,

શાં શાં દોડી સાધન સાધે, પોતે પોતાની પાસ;

દાસ ધીરો કહે છે રે, જ્યાં જોઉ ત્યાં તુંહી તુંહી. તરણા૦

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-૧ (પૃષ્ઠ ક્રમાંક 201)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981