karjo vanaj viichaarii - Pad | RekhtaGujarati

કરજો વણજ વિચારી

karjo vanaj viichaarii

નિરાંત નિરાંત
કરજો વણજ વિચારી
નિરાંત

મન-વાણીડા! કરજો વણજ વિચારી, ખોટ આવે,

છંછર લટકું જાતાં વાર લાગે, લાભ ગુમાવે,

તું વસ્તુ વહોરે માલ ખરો, સાચાનો કર ઘરમાં સંઘરો,

તું મૂકી દેને બીજો વકરો, મન-વાણીડા0

તારે પૂંજી પેઢીની સારી, તું સાચો થાને વેપારી,

તું વહોરત કર વિશ્વાધારી, મન-વાણીડા0

પણ પારખ પેઢીમાં રહેજે, જળ જૂઠાનું મૂકી દેજે,

છે ખેપ ખરું માની લેજે, મન-વાણીડા0

તું કપટ કાટલાં દે નાખી, તું માપી લે સત સત રાખી,

તેમાં લાભ ઘણો હરિ છે સાખી, મન-વાણીડા0

પેઢી ચૌટામાં ચારે ગલી, ત્યાં સર્વ ખપત છે પીઠ ભલી,

ત્યાં બેસી ધંધો કર અદલી, મન-વાણીડા0

રીતે વણજ કર વારુ, તું પાપ લોભનું તજ લ્હારું

કહે નિરાંત ઉત્તમ કુળ તારું, મન-વાણીડા0

(‘ભજનસારસિંધુ’માંથી)

સ્રોત

  • પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 322)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
  • પ્રકાશક : સાહિત્ય અકાદેમી
  • વર્ષ : 1998