manma jane chhe marvu nathi re - Pad | RekhtaGujarati

મનમાં જાણે છે મરવું નથી રે

manma jane chhe marvu nathi re

દેવાનંદ દેવાનંદ
મનમાં જાણે છે મરવું નથી રે
દેવાનંદ

તારા મનમાં જાણે છે મરવું નથી રે,

એવો નિશ્ચે કર્યો નિરાધાર;

તેમાં ભૂલી ગયો ભગવાનને રે. ટેકo

ધન-દોલત, નારી ને ઘણા દીકરા રે,

ખેતીવાડી, ઘોડી ને દરબાર. તેમાંo

મેડી મંદિર ઝરૂખા ને માળિયા રે,

સુખદાયક સોનેરી સેજ. તેમાંo

ગાદી-તકિયા ને ગાલ-મસૂરિયા રે,

અતિ આડ કરે છે જ. તેમાંo

નીચી કાંધ કરીને નમતો નથી રે,

એવું સાધુ સંગાથે અભિમાન, તેમાંo

મરમાળી મોહનજીની મૂરતિ રે,

તેની સાથે લાગેલ તાન. તેમાંo

પાપ અનેક જનમનાં આવી મળ્યાં રે,

તારી મતિ મલીન થઈ મંદ. તેમાંo

દેવાનંદના વહાલાને વીસરી ગયો રે,

તારે ગળે પડ્યો જમ-ફંદ. તેમાંo

સ્રોત

  • પુસ્તક : આરાધના : મધ્યકાલીન ભક્તિગીતો (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપુરા
  • પ્રકાશક : સાહિત્ય સંશોધન પ્રકાશન
  • વર્ષ : 2002