maniti tu chhe mohan tani - Pad | RekhtaGujarati

માનીતી તું છે મોહન તણી

maniti tu chhe mohan tani

દયારામ દયારામ
માનીતી તું છે મોહન તણી
દયારામ

માનીતી તું છે મોહનતણી, હો વાંસલડી રે,

તુને વ્હાલમ કરે છે ઘણું વ્હાલ રે, હો વાંસલડી રે.

મીઠો આવડો શો સોહોર, મોહ્યો નંદકિશોર, હો વાંસલડી રે

તારું આવડું શું જોર, ભૂંડી કાલજડું મા કોર રે, હો વાંસલડી રે.

પીએ અધરામૃત પિયુ તણું, હો વાંસલડી,

હમારે શોક સરીખું તું સાલ રે, હો વાંસલડી.

વાજી વાજીને વીહ્વલ કર્યાં, હો વાંસલડી,

તું તો પીડે હમારા પ્રાણ રે, હો વાંસલડી.

ઝેર ઘણું છે તારી ઝપટમાં, હો વાંસલડી,

ભલા તુંથી ભાલા તલવાર રે, હો વાંસલડી.

એકી વારે તું હણઈ નાંખની, હો વાંસલડી,

ભૂંડી, થોડે થોડે ના માર રે, હો વાંસલડી.

વન વન કુંજ કુંજ ફેરવ્યાં તેં, હો વાંસલડી,

તેં તો સહુની કરી છે એવી ગત્ય રે, હો વાંસલડી.

જોતાં તું કાષ્ટ તણો કરકડો, હો વાંસલડી,

તુંને આજ મળી છે ઠકરાત, હો વાંસલડી.

ચોરની સંગે શીખી ચોરવા, હો વાંસલડી,

વહાલે માખણ ચોર્યું ને તેં તો મન રે, હો વાંસલડી.

માન રાખ્યું માનની તણું, હો વાંસલડી,

તેં તો સહુને કર્યાં પાયમાલ રે, હો વાંસલડી.

દયાના પ્રીતમની દાસી તું ખરી, હો વાંસલડી,

તેડે સહુને બેઠી તું તો ઠામ રે, હો વાંસલડી.

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941