
મન તું કરી લે હિંમત રે, ચાલો રે સતગુરુજીના દેશમાં રે,
ભાવેથી ભેળા ભળશું રે, ભજન કરશું ગુરુજીને આંગણે.
હાં રે ભાઈ તખત ત્રિવેણીની ઉપરે, ઓહંમ સોહંમ ચાલે રે,
પ્રેમના પ્રકાશ સંતો હુઈ રહ્યા, સતગુરુ સન્મુખ માલે રે.
હાંરે ભાઈ ગગન મંડળના મંડપમાં, અનહદ વાજાં ત્યાં વાગે રે,
સુરતા ધરીને તમે સાંભળો, ધૂન એની ગગનમાં ગાજે રે.
હાંરે ભાઈ એકવીસ વરમંડની ઉપરે, ત્યાં નામ છે નિજનામી રે,
ઉનકા સમરણ સંતો કરી લિયો, પછી આવે નહીં એમાં ખામી રે.
હાં રે ભાઈ નામના પરવાના તમે નક્કી કરો, ધ્યાન ધરો દિન રાતિ રે,
સતપુરુષને તમે જઈ મળો, આત્મા છે ઉનકી જાતિ રે.
હાંરે ભાઈ અરજ કરે સંત સાધને, ગરીબ 'રામદાસ' હાથ પસારી રે,
જ્ઞાની રે પુરુષ લેજો ધ્યાનમાં, એવી વિનંતી છે અમારી રે.
હાંરે ભાઈ ગોવિંદ પરતાપે સરભંગ બોલ્યા 'રૂખી રામદાસ' બોલ્યા નિજવાણી રે,
ચેતન પુરુષ તમે ચેતજો, નામની કરી લિયો ઓળખાણી.



સ્રોત
- પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 129)
- સંપાદક : રામજી હીરસાગર
- પ્રકાશક : પોતે