મન માને નહિ, સો ફેરા સમજાવું તોયે શું થાયે
Man Mane Nahi, So Fera Samjavu Toye Shu Thaye

મન માને નહિ, સો ફેરા સમજાવું તોયે શું થાયે
Man Mane Nahi, So Fera Samjavu Toye Shu Thaye
પ્રીતમ
Pritam

મન માને નહિ, સો ફેરા સમજાવું તોયે શું થાયે;
ખળ કઠણ કઠોર ચંચળ, ચોર ચપળ ચિત્ત ચોદશ ધાયે.
મન ભૂત તણી પેરે ભમતું, ચાલે માયાની સંગે રમતું;
એને હરિ ભજવાનું નથી ગમતું. મન...
મન નિર્લજને લજ્યા ન મળે, પીળું ભાળે પોતાને કમળે,
લઈ નાખે માયાને વમળે. મન...
જેમ કૂકર માથે માર પડે, તોય આવી ઊભું દ્વાર અડે;
ફળ દેખીને મરકટ ઝાડ ચડે. મન...
જો જમકિંકરનું દુઃખ જાણે, તો મિથ્યા સુખને શીદ માણે;
ગયો અવસર ઉરમાં નવ આણે. મન...
કહે પ્રીતમ પરપંચ પરહરતાં, શુધ ભાવે હરિનું સમરણ કરતાં;
કંઈ વાર નહિ ભવજળ તરતાં. મન...



સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 77)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ