મહા માન સરોવર રે, જુઓ તમે મતિવતી
maha man sarovar re, juo tame mativati
ધીરો
Dhiro

મહા માન સરોવર રે, જુઓ તમે મતિવતી;
જેની ગતિ ગૂઢ જ રે, રાઢ્ય નથી એમાં રતિ.
પહોળાઈ લંબાઈ સર્વ છે સરખી, નિર્મળતા વખણાયે જાણ,
પવિત્રતા તો પૂરી વસે ત્યાં, પંડિત જન કરે પ્રણામ;
હંસ ચરે હારમાં રે, ગરવી જેની મહાગતિ.
શીતળતા તો સારામાં સારી, ત્રણ તરેહના પવન વાય,
જોનારા તો વખાણ કરે અતિ, કેટલાક તો જોવા જાય;
એવું નિર્મળ તો સરોવર રે, શોભા તેની સારી હતી.
વૃષ્ટિનો કાળ આવી પહોંચ્યો જ્યારે, ત્યારે બગડ્યું નીર તમામ,
વિસ્તાર તો એકત્ર થઈ ગયો, પવિત્રતા પહોંચી મહા ધામ;
બગડ્યું ત્યારે બગડ્યું રે, છત કહું હું તો છતી.
માનસરોવરશા માણસને, આવી યૌવનતા બગાડે,
તેને ત્યારે કોણ જ વારે, જુદ્ધ મોટાશું જગાડે;
ધીરો કરે ધ્યાન જ રે, તારે કમળાનો પતિ!



સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 81)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ