maarun dhankatun dhor dhanke chhe sahu nagrmaan - Pad | RekhtaGujarati

મારું ઢણકતું ઢોર ઢણકે છે સહુ નગ્રમાં

maarun dhankatun dhor dhanke chhe sahu nagrmaan

દયારામ દયારામ
મારું ઢણકતું ઢોર ઢણકે છે સહુ નગ્રમાં
દયારામ

મારું ઢણકતું ઢોર ઢણકે છે સહુ નગ્રમાં, સીમખેતરખળું કાંઈ મૂકે,

ના જાવું જાય ત્યાં, ના ખાવું ખાય તે, રખડવું નિત્ય તેમાં ચૂકે. મારું૦

વાળી લાવું ઘેર ને ગોતું માંડું ગળ્યું, લીલું નીરું છું પણ તે સૂંઘે,

કોહ્યલાં રાડાં, ઘાસ, ક્યહું કુશકા, માર ખાઈને પણ તે ઠૂંગે. મારું૦

હેડલો હોડેરડો મોરો માન્યો નહીં, થયું હરાયું, હાવાં હું તો હાર્યો!

વશ મારે નથી તદપિ મારું કહાવ્યું, માટે રહું છું ભયભીત ચિંતાનો માર્યો. મારું૦

હે ગુરુ! ગોપાળ! મેં અરણ્યું આપને, વશ કરી રાખો નિજ પાસ માગું,

સાધુપણું શીખવી વૃંદાવન ચારજો, ક્લેશ મારા ટળે, પાય લાગું. મારું૦

હે હૃષીકેશ! ક્લેશ મુજ મન તણા આપ ટાળો, કરો શુદ્ધ સાચું,

સ્મરણસેવન બને અહર્નિશ આપનું, અચળ આનંદ માણે એક જાચું. મારું૦

મનમતિ બગડતાં સર્વ કાંઈ બગાડિયું, કરવું બહુ નાથજી! દયા આણો,

જનદયાના પ્રીતમ શ્રીગોવરધનધરણ! કરુણ દૈષ્ટે જુઓ, નિજનો જાણો. મારું૦

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : ધીરુ પરીખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1995