maarii naad tamare haath, hari sambhaljo re - Pad | RekhtaGujarati

મારી નાડ તમારે હાથ, હરિ સંભાળજો રે

maarii naad tamare haath, hari sambhaljo re

કેશવલાલ હરિરામ ભટ્ટ કેશવલાલ હરિરામ ભટ્ટ
મારી નાડ તમારે હાથ, હરિ સંભાળજો રે
કેશવલાલ હરિરામ ભટ્ટ

મારી નાડ તમારે હાથ, હરિ સંભાળજો રે. (ટેક)

હરિ મને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે. મારી0

અનાદિવૈદ આપ છો સાચા, કોઈ ઉપાય વિષે નહિ કાચા;

વધુ ચાલે વાચા, વેળા વાળજો રે. મારી0

પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઊભરાતું;

મને હોય જે થાતું, નાથ નિહાળજો રે. મારી0

વિશ્વેશ્વર ના મને વિસારો, આપને હાથ છું પાર ઉતારો;

મહા મુઝારો મારો, નટવર ટાળજો રે. મારી0

કેશવ હરિ, મારું શું થાશે? ઘાણ વળ્યો જો ગઢ ઘેરાશે;

લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે. મારી0

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાનો અમર વારસો (પૃષ્ઠ ક્રમાંક 6)
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1964