મારચંદ્રક તણો મુગટ મસ્તક નમ્યો
maarchandrak tano mugat mastak namyo
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
(રાગ કેદારો)
મારચંદ્રક તણો મુગટ મસ્તક નમ્યો, રમી રહી આવિયા અર્ધ-રજની,
ભોગવ્યો ભાગ્યનિધિ ભામિની કોણ તે? જોવા સરખો અંગોઅંગ, સજની! મો૦
અધમળ્યાં નેત્ર તે અધિક ઉજાગરા, ભર્યાં રે તંબોળ અતિ રસ-રસાલાં;
કોમળ કલેવર કુસુમ-(શું), કા’નડ તણું, કેળવ્યો કામરસ વિવિધ બાલાં; મો૦
સકળ સુંદરી વદન ચંદ્રનો ચંદ્રમા, ચતુર-નારી શિરે ચંદ્ર લાગ્યો;
અરુણ અંગે અધર (અળતા-શું) રાજતા, તેહમાં દશનનો દંશ વાગ્યો. મો૦
વદન-મકરંદમાં મદન-મકરંદ ભળ્યો, અલિ ટોડલે, ટોડલે લોલ લોભ્યા;
નટ-નાયક, સંગીત-સ્તુતિધર શ્યામા આવી ઊભાં એણી પેર શોભ્યા. મો૦
લડથડ્યો નાથ, ભુજ-બાથ લીધો ખરો, ચાર પહોર પીધેલો તૃપ્ત નેણે;
આ વારકાનું સુખ શું કહું રે, સખી? આગે સુણ્યું નરસૈંના વેણે. મો૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 85)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
