lawo lawo ne dot - Pad | RekhtaGujarati

લાવો લાવો કાગળિયો ને દોત

lawo lawo ne dot

મોરાર સાહેબ મોરાર સાહેબ
લાવો લાવો કાગળિયો ને દોત
મોરાર સાહેબ

લાવો લાવો કાગળિયો ને દોત, લખીએ હરિને રે;

એવો શો છે અમારો દોષ? ના’વ્યા ફરીને રે?

વ્હાલે દૂધ ને સાકરડી પાઈ, ઉછેર્યા અમને રે;

હવે વીખડાં ઘોળી હરિ! પાવ, ઘટે નહિ તમને રે.

હરિએ હીરને હીંચોળે રાજ, હીંચોળ્યાં અમને રે;

હવે તરછોડો કાં, મહારાજ? ઘટે નહિ તમને રે.

હરિએ પ્રેમનો પછેડો આજ ઓઢાડ્યો અમને રે;

હવે ખેંચી લિયો, મહારાજ! ઘટે નહિ તમને રે.

ઊંડા કૂવામાં આજ ઉતાર્યાં હરિએ અમને રે;

હવે વરત વાઢો મા, મહારાજ! ઘટે નહિ તમને રે.

ગુણ ગાય છે રવિ ગુરુ ભાણ, ત્રીકમ! બેડી તારો રે,

એવી પકડો મોરાર કેરી બાંય, ભવસાગર ઉતારો રે.

સ્રોત

  • પુસ્તક : આરાધના : મધ્યકાલીન ભક્તિગીતો (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપુરા
  • પ્રકાશક : સાહિત્ય સંશોધન પ્રકાશન
  • વર્ષ : 2002