લીલમબાઈ
Lilambai
કુંભારાણા હાં...
જે દિ' મારા ધણીએ કુંભા! આ સૃષ્ટિ નીપાવી રે,
સાત દીપ ને નવ કુળ નાગ,
ધરમની દોરી મારા મેઘ ધારવે ઝીલી
અને સાચા નૂરીજન પોંચ્યા નિરવાણ
સતના વિસવાસે સદાય ૠષિ મુનિ સિદ્ધયા રે...
કુંભારાણા હાં...
ઢેલડી નગરમાં કુંભા! બે મુનિવરા સિધ્યા રે,
રાવત રણશી ને ખીમડિયો કોટવાળ,
કાશીએ જઈને કરવત મેલાવ્યાં રે,
બાન છોડાવ્યાં ચઉદ હજાર...
સતના વિસવાસે સદાય ૠષિ મુનિ સિદ્ધયા રે...
કુંભારાણા હાં...
ગરીબાંનો સંઘ જિયારે ગંગાજીએ હાલ્યો રે,
ટકો આપ્યો રોહીદાસ ચમાર,
સોનાવરણી ચૂડીઓ માયે હાથ મેં વધાવ્યો રે
ટકો લીધો છે હાથોહાથ...
સતના વિસવાસે સદાય ૠષિ મુનિ સિદ્ધયા રે...
કુંભારાણા હાં...
મેઘ ધારવાને ઘેરે જે દિ' પાટ મંડાણો રે,
પાટે પધાર્યાં સતી રૂપાંદે નાર,
કનકથાળનો તે દિ' કરંડિયો બન્યો'તો
હેરણાં હૈર્યાં જે દિ' માલદે રાય...
સતના વિસવાસે સદાય ૠષિ મુનિ સિદ્ધયા રે...
કુંભારાણા હાં...
જેસંગ સિદ્ધરાજે કુંભા! નવાણ ગળાવ્યાં રે,
પાણી આવ્યાં નહીં ટાંક લગાર,
સોનાવરણી કાયા વીરમાયા મેઘમાયે હોમી
નિયાં પાણી ભરે છે લાગે પનિહાર...
સતના વિસવાસે સદાય ૠષિ મુનિ સિદ્ધયા રે...
કુંભારાણા હાં...
અંજારમાં પીર અજેપાળ સિધ્યા રે,
સાથે હતા મામૈયો મેઘવાળ,
શીશ રે ઉતારી ને હાથમાં લીધું રે
તો ય મુખે કર્યો’તો સતનો ઉચ્ચાર...
સતના વિસવાસે સદાય ૠષિ મુનિ સિદ્ધયા રે...
કુંભારાણા હાં...
રણુંજામાં પીર રામદેવ સિધ્યા રે,
હાર્યે હતાં સતી ડાલીબાઈ મેઘવાળ,
સમાત્યું ગળાવી માથે ધજાયું ખોડાવી રે
ન્યાં તો નમણું કરે છે નર નાર...
સતના વિસવાસે સદાય ૠષિ મુનિ સિદ્ધયા રે...
કુંભારાણા હાં...
ઉગમશીની ચેલી સતી ‘લીરાયબાઈ’ બોલ્યાં રે,
મારા મેઘ ધારૂ જુગોજુગના આગેવાન,
ધરમની દોરી મારા મેઘ ધારવે ઝીલી
સાચા નૂરીજન સંત પોંચ્યા નિરવાણ…
સતને વિસવાસે સદાય
ઋષિ મુનિ સુદ્ધયા રે જી...
સ્રોત
- પુસ્તક : બીજમારગી ગુપ્ત પાટ-ઉપાસના અને કંઠસ્થ પરંપરામાં જળવાયેલી મહાપંથી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 186)
- સંપાદક : ડૉ. નિરંજન રાજ્યગુરુ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1995
