ભાલણ
Bhalan
ધન્ય તે કામિની રે, હરિને જે ધરશે ખોળે;
ઉપનિષદમાંહે તો જોતા, મોટા મુનિ સરખા બોલે. ધન્ય...
ધવરાવી હુલરાવશે રે, સાંઈડું દેશે ગાઢું રે;
સુંદર વદન નિહાળતાં રે, હૈડું થાશે ટાઢું રે. ધન્ય...
આઈ આઈ કહેશે કાલું બોલશે, તે લાગશે મીઠું રે;
મેં તો પાતક પ્રૌઢાં કીધાં જો સુતનું સુખ ન દીઠું રે. ધન્ય...
પાલણડું હુલરાવતાં, માનિની મંગળ ગાશે રે;
શું કહું તેના મન માંહે તે જોતાં સુખ થાશે રે. ધન્ય...
નાનડિયો સાદ દેતો આવશે, અધરણ અધર તે હસશે રે;
મારા ભાગ્યમાંહે નવ લખિયું, તેને અંતર વસશે રે. ધન્ય...
વિષમ ચરિત્ર એ વિધાતાનાં, મારે ઘરથી ઓસરિયો રે;
પુત્રજન્મનો આનંદ ઓચ્છવ તેને ઘેર જઈ કરિયો રે. ધન્ય...
તેને ઘેર તોરણ બંધાશે, થાશે અતિ દિવાળી રે;
વેરણ વિધાતાએ શું સરજ્યું, જે હું દુઃખે બાળી રે. ધન્ય...
પાગે વાગે ઘુઘરડી ને, પગલાં ભરશે લટકે રે;
ઉતાવળો આવીને મળશે એને હરિ ત્યાં મટકે રે. ધન્ય...
તે જણ્યા વિના જનની થઈ, મારો ખોળો ઠાલો રે;
રૂપ દેખાડી અભિનવું, મને મૂકી કિમ ચાલો રે. ધન્ય...
પુનરપિ કહેવારે દેખીશું, સુંદર મુખ રઢિયાળું રે;
મેં રાંકે કંઈ નવ ચાલે, પછે આંસુડાં ઢાળું રે. ધન્ય...
એણી પેરે દેવકી ટળવળ્યાં, હરિને હૈયે ચાંપે રે;
પિયુ તણે કર બાલક આપે, ભેથી હૈડું કાંપે રે. ધન્ય...
ભામણડાં માવડી લઈને, લઈ ચાલ્યા વસુદેવ રે,
ભાલણ પ્રભુ રઘુનાથ મૂક્યા, જશોદા ઘેર તતખેવ રે. ધન્ય...
સાંઈડું – ભેટવું તે, આઈ – મા, બા, કહેવારે – કયે વખતે, ભામણડાં – ઓવારણાં
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 9)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોષી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
