khabardar mansuubaa jii - Pad | RekhtaGujarati

ખબરદાર મનસૂબા જી

khabardar mansuubaa jii

ધીરો ધીરો
ખબરદાર મનસૂબા જી
ધીરો

ખબરદાર મનસૂબાજી, ખાંડાની ધારે ચડવું છે;

હિમ્મત હથિયાર બાંધી રે, સત્ય લડાઈએ લડવું છે.

એક ઉમરાવ ને બાર પટાવત, એક એક નીચે ત્રીસ ત્રીસ,

એક ધણી ને એક એક ધણિયાણી, એમ વિગતે સાતસેંને વીસ;

સો સરદારે ગઢ ઘેર્યો રે, તેને જીતી પાર પડવું છે.

પાંચ પ્યાદલ તારી પૂંઠે ફરે છે, ને વળી કામને ક્રોધ,

લોભ મોહ માયા ને મમતા, એવા જુલમી જોરાવર જોધ;

અતિ બલિષ્ટ સ્વારી રે, તે સાથે આખડવું છે.

પ્રેમ પલાણ કરી, જ્ઞાન ઘોડે ચઢી, સદ્ગુરુ શબ્દ લગામ,

શીલ સંતોષ ને ક્ષમા ખડગ ધરી, ભજન ભડાકે રામ;

ધર્મ ઢાલ ઝાલી રે, નિર્ભે નિશાને ચડવું છે.

સૂરત નૂરત ને ઈડા પિંગળા, સુખમણા ગંગા સ્નાન કીજે,

મન પવનથી ગગન મંડળ ચઢી, ધીરા સુધા રસ પીજે;

રાજ ઘણુ રીઝે રે, ભજન વડે ભડવું છે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 80)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ