kapotani kahe chhe re - Pad | RekhtaGujarati

કપોતની કહે છે રે

kapotani kahe chhe re

ધીરો ધીરો
કપોતની કહે છે રે
ધીરો

કપોતની કહે છે રે, કંથ મારું કહ્યું કરો;

સીંચાણાનો ભય છે રે, પારધીએ બાણ ભર્યો.

અહીંથી ઊડી અળગા રહીએ, દેશ તજી ઉપદેશ;

મર્મવચન, પિયુ, મારું રે માનો, અસત્ય નહિ લવલેશ :

પ્રમાદ, પ્રભુ, મૂકો રે, રાંક વેણ હૃદે ધરો. કપોતની...

કપોત કંથ કહે : કાયર કામની, હોનાર પદારથ હશે;

શત્રુનું સાલ સહેજમાં ટળશે, કરતાનું કહ્યું થશે :

હૃદયે હરિ રાખો રે, કૃષ્ણ કૃષ્ણ ઉચ્ચરો. કપોતની...

જીવ જાયે ઘટેઘટ ગોવિંદ, પલકે અંક પ્રમાણ;

ડગમગતા તમે દિલથી રે ટાળો, સંભારો સારંગપાણ :

ચિંતા ના રાખો રે, દિલથી ના ડરો ડરો. કપોતની...

અહિ ડશ્યો પારધીને પાયે, તૂટ્યો બાણ તે વાર,

ઊડ્યું શિર સીંચાણા કેરું, એવા કૃષ્ણ કૃપાળુ કરતાર :

ભાવે ગુણ ભાખો રે, ભવજળ તરો તરો. કપોતની...

તન તરુવર પ્રાણ પંખીડો, નિવૃત્તિ કપોતની નાર;

અહંકાર અહિ અને જરા પારધી, ક્રોધ સીંચાણો નિરધાર :

ધીર મુકુંદ મધુસૂદન રે, ૫લક રાખો ૫રો. કપોતની...

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941