jyan lagi atmatattw chinyo nahin - Pad | RekhtaGujarati

જ્યાં લગી આતમાતત્ત્વ ચીન્યો નહીં

jyan lagi atmatattw chinyo nahin

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
જ્યાં લગી આતમાતત્ત્વ ચીન્યો નહીં
નરસિંહ મહેતા

(રાગ કેદારો)

જ્યાં લગી આતમાતત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી;

મનખા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી. જ્યાં૦

શું થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી? શું થયું ઘેર રહી દાન દીધે?

શું થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે? શું થયું વાળ લુંચન કીધે? જ્યાં૦

શું થયું જપ-તપ-તીરથ કીધા થકી? શું થયું માળ ગ્રહી નામ લીધે?

શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી? શું થયું ગંગજળ-પાન કીધે? જ્યાં૦

શું થયું વેદ-વ્યાકરણ-વાણી વદ્યે, શું થયું રાગ ને રંગ માણ્યે?

શું થયું ખટદર્શન-ભેદ સેવ્યા થકી? શું થયું વરણના ભેદ આણ્યે? જ્યાં૦

છે પરપંચ સહુ પેટ ભરવા તણા, જ્યાંહાં લગી ના પરિબ્રહ્મ જોયો;

ભણે નરસૈયોઃ તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો. જ્યાં૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997