jangal wasawyun re jogiye - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જંગલ વસાવ્યું રે જોગીએ

jangal wasawyun re jogiye

નિષ્કુળાનંદ નિષ્કુળાનંદ
જંગલ વસાવ્યું રે જોગીએ
નિષ્કુળાનંદ

જંગલ વસાવ્યું રે જોગીએ, તજી તનડાની આશજી;

વાત ગમે વિશ્વની, આઠે પહોર ઉદાસજી. જંગલ૦

સેજ પલંગ રે પોઢતા, મંદિર ઝરૂખાંમાંયજી;

તેને નહિ તૃણસાથરો, રહેતા તરૂતળ-છાંયજી, જંગલ૦

શાલ-દુશાલા ઓઢતા, ઝીણા જરકશી જામજી;

તેણે રે રાખી કંથા-ગોદડી, સહે શિર શીત-ધામજી. જંગલ૦

ભાવતાં ભોજન જમતા, અનેક વિધનાં અન્નજી;

તેણે રે માગવા લાગ્યા ટુકડા, ભિક્ષા ભવને ભવનજી. જંગલ૦

હાજી રે કહેતાં હજારો ઊઠતા, ચાલતા લશ્કર-લાવજી;

તે નર ચાલ્યા રે એકલા, નહીં પેંજાર પાવજી. જંગલ૦

રહો તો રાજા, રસોઈ કરું, જમતા જાઓ જોગીરાજજી;

ખીર નિપજાવું ક્ષણ એકમાં, તે તો ભિક્ષાને કાજજી. જંગલ૦

આહાર-કારણ ઊભો રહે, એકની કરી આશજી;

તે જોગી નહીં ભોગી જાણવો, અંતે થાય છે વિનાશજી. જંગલ૦

રાજ સાજ સુખ પરહરી, જે જન લેશે રે જોગજી;

તે ધન-દારામાં નહિ ધસે, રોગ સમ જણે ભોગજી. જંગલ૦

ધન્ય તે ત્યાગ-વૈરાગને, તજી તનડાની આશજી

કુળ રે તજીને નિષ્કુળ થયા, તેનું કુળ અવિનાશજી. જંગલ૦

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-1 (પૃષ્ઠ ક્રમાંક 213)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981