દલપતરામ
Dalpatram
દેશાટન કરી દેખશો ભલી જણશ બહુ ભાત;
પંથ પધારી પ્રથમ તો જઈ જોજો ગુજરાત.
રળિયામણી ગુજરાત જોવા જોગ જેવી જાણજો,
ધરી યાદ અમદાવાદથી એકાદ વસ્તુ લાવજો;
અતલસ અને મૂલદાર મશરૂ માલ બેસ મગાવજો,
વળી ઘરદિશે વરસાદ પહેલાં આપ વહેલા આવજો.
પછી પંથ પેથાપુર ભણી જાત્રાળુ જન જે જાય છે,
ત્યાં બાંધણીની સાડીઓ બંદૂક બહુ વખણાય છે;
તે દેશથી સંદેશડો જન કોઈ સાથે ક્હાવજો,
વળી ઘરદિશે વરસાદ પહેલાં આપ વહેલા આવજો.
વિસલનગર વિશ્રામ કરશો, પાત્ર ત્યાં પીતળ તણાં,
વખણાય હળદર હેમ જેવી, ઘાટ ચીર ખૂલે ઘણાં;
પછી પાટણે જઈને પટોળાં રંગદાર રખાવજો,
વળી ઘરદિશે વરસાદ પહેલાં આપ વહેલા આવજો.
શમશેર તે શિરોહીની, પ્રતિમા ભલી ડુંગરપરી,
આવતાં જાજો આત્રસુંબે, ત્યાં છરા લોઢી છરી;
વળી કપડવંજી કાચ સાબુ રહી સમીપ રચાવજો,
વળી ઘરદિશે વરસાદ પહેલાં આપ વહેલા આવજો.
કાઠિયાવાડી કાંબી ઝાલાવાડી રૂડાં ઝૂમણાં,
ખંભાતની ભલી સૂત્રફેણી, જમણી તો સૂરત તણાં;
બહુ પાપડી ને સાડી બરફી લક્ષ દઈને લાવજો,
વળી ઘરદિશે વરસાદ પહેલાં આપ વહેલા આવજો.
નાશક તણાં જળપાત્ર, નિર્મળ પાન પૂને સાંપડે,
બુરાનપુરી શેલાં સરસ, પણ પેંઠણી પાઘડી ચડે;
શુભ શાલ તો કાશ્મીરની, એ તો જરૂર અણાવજો,
વળી ઘરદિશે વરસાદ પહેલાં આપ વહેલા આવજો.
કાશી તણા લોટા પીતાંબર, અફીણ છાયલ માળવી
પણ ધોતીજોડા નાગપુર જઈ લાવજો જોઈ જાળવી;
બહુ ખાંડ બંગાળે બને, પણ લઈ હિસાબ પતાવજો,
વળી ઘરદિશે વરસાદ પહેલાં આપ વહેલા આવજો.
ધોળેરી રૂ ધોળું ભલું, ઘઉં તો ભલા છે ભાલમાં,
ગજદંત સિંહલ દ્વીપ, મુંબઈ હેમની છે હાલમાં;
નાણાં તણી જોઈ ટંકશાળ, સભા વિષે સિધાવજો,
વળી ઘરદિશે વરસાદ પહેલાં આપ વહેલા આવજો.
મથુરામાં પેંડા મળે, જુઓ ચિત્ર જયપુર,
ઘોડા તો કચ્છી ઘણા, પ્રેમ પમાડે ઉર.
જામનગરનું જુઓ કંકુ સારે કામ;
વાગડમાં મગ બાજરી દીઠી દલપતરામ.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 114)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
