jiv sudharas brahmpyalo pee le - Pad | RekhtaGujarati

જીવ સુધારસ બ્રહ્મપ્યાલો પી લે

jiv sudharas brahmpyalo pee le

નર્મદ નર્મદ
જીવ સુધારસ બ્રહ્મપ્યાલો પી લે
નર્મદ

જીવ સુધારસ બ્રહ્મપ્યાલો પી લે,

પ્રભુ ત્હારો કારક કહેવાએ,

ત્હારો પાળક કહેવાએ,

ત્હારો મારક કહેવાએ,

રસિક રંગ ખીલે ખીલે, - પ્યાલો પીલે-જિવ... - ટેક.

ન કંઈ બાકિ કૃત્યમાંહિ વિશ્વરામ;

સકળ ચાતુરિ ભરપૂર ત્હેનું કામ;

સુંદર જગજગ રચના પ્રતાપી નામ;

ત્હેની તૂલના? તેજ રૂપ, તે જ રૂપ,

તે અરૂપ, ત્રિગુણ રૂપ, યશ અનૂપ,

ભુવન ભૂપ, અમૃત કૂપ,

ગુણ અખીલે ખીલે પ્યાલો પીલે. - જિવ...

મનુષ્યદેહ ધરી શુકર શ્વાન થાએ;

તજિ તું બીક બધી પાપ પુઠે ધાએ;

મુકી સુકૃત અમૃત દુષ્કૃત શકૃત ખાએ;

ઉત્તમ જન્મનો, હેતુ જાણ, આણિ ભાન,

મુકી માન, ધરી સાન, કરનિ દાન,

કથા ગાન, નીતિ ધ્યાન, ભક્તિમાન,

શિખ મદી લે દીલે પ્યાલો પીલે - જિવ...

કપટ જૂઠ વ્હેમ વેરથિ ભરપૂરો;

માયારૂપ નદીનીરનો વિષપૂડો;

મહારૌરવે જિવ જાય પાપિ પૂરો;

વેદ નેતિ કહે, ઓમકાર, દિલવિચાર,

વાર વાર, તજી ખાર, ખાઈ હાર,

ધરી ભાર, નીતિ સજીલે જી લે. પ્યાલો પીલે - જિવ...

મુએ સાથિ નહીં કોઈ તૂજ જાણ;

નહીં કામ દામ ધામની એધાણ;

ડરી પાપથી તું પુણ્યને બહુ નાણ;

ભુંડા નર્મદા, આઠ જામ, ઠરી ઠામ,

રાખ રામ, ભિડી હામ, તું નિષ્કામ,

મુક્તિ ધામ, નિત્ય નામ,

બ્રહ્મ ભજી લે જી લે - પ્યાલો પીલે - જિવ...

સ્રોત

  • પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 182)
  • સંપાદક : રમેશ મ. શુક્લ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ