જી રે લાખા મૂળ રે વચનનો મહિમા
jii re laakhaa mul re vachanno mahimaa
લોયણ
Loyan

જી રે લાખા મૂળ રે વચનનો મહિમા બહુ મોટો જી,
એને સંત જ વિરલા જાણે હાં,
જી રે લાખા વચન થકી જે કોઈ અધૂરા જી,
તે તો પ્રેમરસને શું માણે હાં.
જી રે લાખા વચન થકી બ્રહ્માએ સૃષ્ટિ રચાવી જી,
વચનેથી પ્રથવી ઠેરાણી હાં,
જી રે લાખા ચૌદ લોકમાં વચન રમે છે જી,
તેને જાણે પુરુષ પુરાણી હાં...
જી રે લાખા એવા રે વચનની જેને પ્રતીત આવે જી,
એ તો કદી ચોરાશી ના જાવે જી હાં,
જી રે લાખા વચનના કબજામાં જે કોઈ વર્તે જી,
એની સુરતા શૂન્યમાં સમાવે હાં...
જી રે લાખા એ રે વચન તો શિરને સાટે જી,
એ ઓછા માણસને ના કહેવું હાં,
જી રે લાખા સદ્ગુરુ આગળ શીશ નમાવી જી,
એના હુકમમાં હમેશાં રહેવું હાં...
જી રે લાખા આદ ને અનાદમાં વચન છે મોટું જી,
એને જાણે વિવેકી પૂરા હાં,
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી ‘લોયણ’ બોલ્યાં જી,
એને નેણે વરસે નૂરા હાં...



સ્રોત
- પુસ્તક : શ્રી લોયણ કૃત ભજનાવળી : ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 4)
- સંપાદક : પ્રભુદાસ નત્થુભઈ વઢવાણા
- પ્રકાશક : ધર્મ વિજય પ્રેસ
- વર્ષ : 1910