
જી રે લાખા મન શુદ્ધ કરી તમે વચને ચાલો જી હોજી,
તમે પાળોને સાચી રહેણી. હાં... હાં.
જી રે લાખા વાદ ને વિવાદ ઘટે નહિ એ ઘરમાં જી હોજી,
તમે રહેણી વિના કહો નવ કે’ણી. હાં.... હાં.
જી રે લાખા એક યોગની છે બાર ક્રિયાઓ જી હોજી,
તમે એકચિત્ત થઈને સાંભળજો. હાં... હાં.
જી રે લાખા આ વાણી ક્યાંયે નથી કહેવા જેવી જી હોજી,
તમે જ્ઞાન હિમાળામાં ગળજો. હાં... હાં.
જી રે લાખા પહેલી ક્રિયા ગુરુ વચન પ્રમાણે જી હોજી,
બીજી ક્રિયાએ શુદ્ધ બની જાઓ. હાં... હાં.
જી રે લાખા ત્રીજી ક્રિયાએ બ્રહ્મચર્ય પાળો જી હોજી,
ચોથી ક્રિયા અમીરસ ચાખો. હાં... હાં.
જી રે લાખા પાંચમી ક્રિયા ઇન્દ્રિયો જીતો જી હોજી,
છઠ્ઠી ક્રિયાએ પવન થંભાવો. હાં... હાં.
જી રે લાખા સાતમી ક્રિયાએ મનને જીતો જી હોજી,
આઠમી ક્રિયા વાણી નિયમમાં લાવો. હાં... હાં.
જી રે લાખા નવમી ક્રિયાએ સુરતા સાંધો જી હોજી,
દશમી ક્રિયાએ દ્વાર બધાં બાંધો. હાં... હાં.
જી રે લાખા અગિયારમી ક્રિયા સૂર્ય ચંદ્રને સાધો જી હોજી,
બારમી ક્રિયાએ પ્રેમને જગાડો. હાં... હાં.
જી રે લાખા શેલારશીની ચેલી સતી ‘લોયણ’ બોલ્યાં જી હોજી,
તેથી ફરીને ચોરાશીમાં ના’વો. હાં... હાં.



સ્રોત
- પુસ્તક : મરમી સતી લોયણનું દર્શન (પૃષ્ઠ ક્રમાંક 19)
- સંપાદક : લક્ષ્મણ પિંગળશી ગઢવી
- પ્રકાશક : શ્રી મેરૂભા ગઢવી સ્મૃતિ પ્રકાશન
- વર્ષ : 2006