Jhat Doli Nakho Re, Manjal Thambh Thayelu - Pad | RekhtaGujarati

ઝટ ડોળિ નાંખો રે, મનજળ થંભ થયેલું

Jhat Doli Nakho Re, Manjal Thambh Thayelu

નર્મદ નર્મદ
ઝટ ડોળિ નાંખો રે, મનજળ થંભ થયેલું
નર્મદ

ઝટ ડોળિ નાંખો રે, મનજળ થંભ થયેલું. ટેક

ઉત્સુકતા નથી જનનાં મનમાં, તાં લગિ સંધું કાચું;

સ્વપ્ને પણ ઉત્કર્ષ ન થાએ, કહું છઊં સાચે સાચું. - ઝટ...

ભણિ ડાહ્યા આનંદી થાશો, પણ તેમાં શું ઉઘડ્યું;

પડી મોળા કાયર થઈ જાશો, ધિઃક સુખ એ સડ્યું. - ઝટ...

સ્વતંત્રતા અર્થે સાહસ તે, ઉમંગ વણ નવ હોયે;

ધામધૂમથી આમ તેમ સુખ, ઊંચ હરખનું સોહે. - ઝટ...

ઊંચ વીર્યથી ઊંચ ગૂણ ને, ઊંચ વીર્ય ઊંચ ગૂણે;

વિના ઉષ્ણતા ઊંચપણું નહીં, ભરાઈ રેવું ખૂણે. - ઝટ...

ચૈતન વણ શું સુખ દુખ લ્હેવું, તેજ રહ્યું ચૈતનમાં;

તેજ તમે ને તેજ તમે કહું, તેજ બનો, સહુ મનમાં - ઝટ...

તેજમાંહિ તમે તેજ બતાવો, એ લ્હાવાને લઈને;

તેજમાંહિ તમે તેજ સમાવો, એ સુખ પણ અનુભવીને - ઝટ...

પ્રવાહ તેજનો નવ ચાલે ત્હાં, તેજ તિમિરના જેવું;

તરંગ તેના ચોમાસાના, જોઈ ન સુખ શું લેવું. - ઝટ...

થંભ સ્થિતિ જે હાલ તમારી, કરો ગતિમાં સારી;

ગતિવાળી સ્થિતિમાં પણ જુઓ, રંગ લ્હેર સહુ ન્યારી. ઝટ...

રૂપાંતર ને ધામધૂમમાં, છે દૃષ્ટિ બહુ રંગે;

એમાં મ્હાલી ઊંચ હર્ષ તે, કાં નવ ધરવો અંગે. - ઝટ...

ચાર પાસના રંગ જોઈને, ઉમંગ રંગને પી લો;

રણ રંગને દાખવતાં સુખ ને, દાખવિ સુખ જોઈ લો - ઝટ...

રડવું તો હર ડગલે વખતે, પડિ રેહેવું પણ રોજે;

નર્મદ કાં નવ ધામધૂમનું, સુખ અનુભવવું ખોજે - ઝટ...

સ્રોત

  • પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 149)
  • સંપાદક : રમેશ મ. શુક્લ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ