રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજેને પિયુ મળવાનો પ્રેમ હોય તે,
આવો દેશ અમારે જો;
આડે અર્ણવે ઊતરી નાવડું,
આવે છે આરે જો. (ટેક)
દૂર બતાવે નાથને,
તેને પ્રગટ પાસ દેખાડું જો;
એક સદગુરુની કૃપા વડે,
તેને બ્રહ્મલોક પહોંચાડું જો. જેને૦
એક અચરજ મારા દેશમાં,
ગોવાં ને સિંહ રમે ભેળાં જો;
અવળાંનાં સવળાં થયાં,
કરમદીએ લાગ્યાં કેળાં જો. જેને૦
એક સદા-પૂનમ મારા દેશમાં
અમાસ ભુવન નવ આવે જો;
શીત ને તાપ વ્યાપે નહીં,
એક બકરો બળદને ધાવે જો. જેને૦
એક અમૃતકૂપ મારા મુલકમાં,
તેના ભોગદારી ત્રિપુરારિ જો;
ભરે વારિ દોરી-ગાગર વિના,
સુરતા સોહાગણ પાણિયારી જો. જેને૦
એક અઝડ ઝડે પરજન્ય પડે,
પૃથ્વીનાં પડ રહ્યાં કોરાં જો;
પોઢ્યા હંસરાજ ચોગાન ચોતરે,
તેને અંગે ન અડકે ફોરાં જો. જેને૦
એક કંઠ વિના ગાય નાયકા,
ને ચર્ણ વિના તે ચાલે જો;
એક ધીર સખી પિયુ પાસ રમે,
મહાનંદ સુખ મહાલે જો. જેને૦
સ્રોત
- પુસ્તક : કાવ્યસંચય-૧ (પૃષ્ઠ ક્રમાંક 202)
- સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1981