જેને દીઠે નેણલાં ઠરે
jene diithe nenlaan thare
લખમાજી માળી
Lakhamaji Mali

જેને દીઠે નેણલાં ઠરે
બાયું! અમને એડા એડા સંત મળે.
ઉરમાંથી એક બુંદ પડે નૈ,
ભગત નામ નવ ધરે,
નરક છોડાવીને ન્યારા રે’વે
અમર લોકને વરે. - બાયું૦
ચાલતાં નર ધરતી ન દુવે,
પાપ થકી બહુ ડરે,
શબ્દે વિવેકી ને ચાલે સુલક્ષણા,
પૂછી પૂછીને પાઉં ધરે. - બાયું૦
ત્રિગુણ પૂતળી રમે સુનમાં,
અનઘડ ઘાટ જ ઘડે,
ગુરુજીના શબ્દો એવા છે ભાઈ,
ખોજે તેને ખબરું પડે. – બાયું૦
કાયાવાડીનો એક ભમરલો,
સંધ્યાએ ઓથ ધરે,
આરે સંસારમાં સંત સુહાગી,
બેઠાં બેઠાં ભજન કરે. - બાયું૦
વર્ષાઋતુનો એક હિમ-પોપટો,
નીર ભેળાં નીર ભળે,
'લખમા'ના સ્વામીની સંગે રમતાં
સ્વાતિનાં બિન્દુ ઠરે,
બાયું! અમને એડા એડા સંત મળે.



સ્રોત
- પુસ્તક : 'સોરઠી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 105)
- સંપાદક : ઝવેરચંદ મેઘાણી
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન, અમદાવાદ
- વર્ષ : 2017
- આવૃત્તિ : પુનર્મુદ્રણ