જે કોઈ પ્રેમઅંશ અવતરે
je koi premansh avatare
દયારામ
Dayaram
દયારામ
Dayaram
જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે. ટેક
સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ-સુતને જરે;
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. પ્રેમરસ...
સક્કરખોરનું સાકર જીવન ખરના પ્રાણ જ હરે;
ક્ષારસિંધુનું માછલડું જ્યમ મીઠા જળમાં મરે. પ્રેમરસ...
સોમવેલીરસ-પાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;
વગરવંશીને વમન કરાવે, વેદવાણી ઊચરે. પ્રેમરસ...
ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપિ અર્થ ના સરે;
મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે. પ્રેમરસ...
એમ કોટી સાધને પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠ ન ફરે;
દયા પ્રીતમ શ્રીગોવરધનધર પ્રેમ-ભક્તિએ વરે. પ્રેમરસ...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 65)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોષી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
