જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી
jannii jivo re gopiichandnii, putrane preryo vairaagyaji

જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી
jannii jivo re gopiichandnii, putrane preryo vairaagyaji
નિષ્કુળાનંદ
Nishkulanand

જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી;
ઉપદેશ આપ્યો એણી પેરે, લાગ્યો સંસારીડો આગજી.
ધન્ય ધન્ય માતા ધ્રુવ તણી, કહ્યાં કઠણ વચનજી;
રાજસાજ સુખ પરહરી, વેગે ચાલિયા વનજી. જનની૦
ઊઠી ન શકે રે ઊંટિયો, બહુ બોલાવ્યો બાજંદજી;
તેને રે દેખી ત્રાસ ઉપન્યો, લીધી ફકીરી છોડ્યો ફંદજી. જનની૦
ભલો રે ત્યાગ ભરથરી તણો, તજી સોળસેં નારજી;
મંદિર ઝરૂખા મેલી કરી, આસન કીધલાં બહારજી. જનની૦
એ વૈરાગવંતને જાઉં વારણે, બીજા ગયા રે અનેકજી;
ભલા રે ભૂંડા અવની ઉપરે, ગણતાં ના'વે છેકજી. જનની૦
ક્યાં ગયું રે કુળ રાવણ તણું, સગરસુત સાઠ હજારજી;
ન રહ્યું તે નાણું રાજા નંદનું, સર્વ સુપનવેવારજી. જનની૦
છત્રપતિ ચાલી ગયા, રાજ મૂકીને રાજંનજી;
દેવ દાનવ મુનિ માનવી, સર્વે જાણો સુપનજી. જનની૦
સમજી મૂકો તો સારું ઘણું, જરૂર મુકાવશે જમજી;
નિષ્કુલાનંદ કહે નહિ મરે, સાચું કહું ખાઈ સમજી. જનની૦



સ્રોત
- પુસ્તક : નિષ્કુલાનંદની વાણી (પૃષ્ઠ ક્રમાંક 8)
- સંપાદક : જેઠાલાલ નારાયણ ત્રિવેદી
- પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1964