જાગો રે અલબેલા કા'ના
Jago Re Albela Kana
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
જાગો રે અલબેલા કા'ના, મોટા મુકુટધારી રે;
સહુ દુનિયા તો સૂતી જાગી, પ્રભુ, તમારી નિદ્રા ભારી રે. જાગો રે...
ગોકુળ ગામની ગાયો છૂટી, વણજ કરે વેપારી રે;
દાતણ કરો તમો આદિ દેવા, મુખ ધુઓ મોરારિ રે. જાગો રે...
ભાતભાતનાં ભોજન નિપાયાં, ભરી સોવરણથાળી રે;
લવંગ, સોપારી ને એલચી, પ્રભુ પાનની બીડી વાળી રે. જાગો રે...
પ્રીત કરી ખાઓ પુરુષોત્તમ, ખવડાવે વ્રજની નારી રે;
કંસની તમે વંશ કાઢી, માસી પૂતના મારી રે. જાગો રે...
પાતાળે જઈ કાળીનાગ નાથ્યો, અવળી કરી અસવારી રે;
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હું છું દાસી તમારી રે. જાગો રે...
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 10)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
