jadupati naath te mitra chhe tam tanaa - Pad | RekhtaGujarati

જદુપતિ નાથ તે મિત્ર છે તમ તણા

jadupati naath te mitra chhe tam tanaa

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
જદુપતિ નાથ તે મિત્ર છે તમ તણા
નરસિંહ મહેતા

જદુપતિ નાથ તે મિત્ર છે તમ તણા, જાઓ વેગે કરી કૃષ્ણ પાસે;

પ્રીત પૂરવ તણી, હેત ધરશે હરિ, મન તણા મનોરથ સફળ થાશે. જ૦

ઘેર બાળક સહુ દુઃખ પામે બહુ, વસ્ત્ર ને અન્નથી રહે છે ઊણાં;

નિર્ધન સરજિયાં પુણ્ય કીધા વિના, કર્મના દોષ તે આવી પૂણ્યા. જ૦

જગતપતિ જાદવો, ભક્તિવશ માધવો, કરશે કરુણા પ્રભુ દીન જાણી;

ગોમતીસ્નાનથી કોટિ અધ નાસશે નિરખતાં કૃષ્ણને પ્રેમ આણી. જ૦

કૃષ્ણને હળીમળી શીઘ્રે આવો વળી, જાણશે ત્રીઠ તે અંતરજામી;

વીનતી મન ધરો, આળસ પરહરો, સહાય થાશે નરસૈંનો સ્વામી. જ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994