jaagjo tame chetjo - Pad | RekhtaGujarati

જાગજો તમે ચેતજો

jaagjo tame chetjo

મૂળદાસ મૂળદાસ
જાગજો તમે ચેતજો
મૂળદાસ

જાગજો તમે ચેતજો, છેલ્લી સંનધનો પાકાર રે,

હરિભજનમાં ભરપૂર રહેજો,

હરિનામનો આધાર રે૦

થડકશો મા, ને સ્થિર રહેજો, રાખશે ગોપાળ રે,

સત્યવચની, સદા શીતળ,

તેને શું કરે કળિકાળ રે૦

ધન્ય ધન્ય મારા સંતને, જેણે બતાવ્યા પરિબ્રહ્મ રે,

સત સાધના જે કરે,

જેનો દયા સમો નહીં ધર્મ રે૦

ભક્તિ છે વિશ્વાસની, તમે કરો સંતની સેવ રે,

સંત સાહેબ એક જાણો,

જેનાં દર્શન દુર્લભ દેવ રે૦

આગે તો તમે અનેક તાર્યાં, તમે છો તારણહાર રે,

‘મૂળદાસ’ કહે મહારાજ મોટા,

તમે કરો સંતની સાર રે૦

જાગજો તમે ચેતજો !

સ્રોત

  • પુસ્તક : ભજનરસ (પૃષ્ઠ ક્રમાંક 154)
  • સંપાદક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1987