ઈશ્વરના મહિમા વિષે
ishwar na mahima vishe
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
જય જય! પ્રભુ અંતરજામી, બળવંત વિદિત બહુ નામીરે. જય જ્ય-ટેક
તુજ મહિમા જગમાં છે મોટો, વાણી પાર ન પામીરે. જય જય...
કોઈ પ્રકારે તારાં કૃતમાં, ખચિત નથી કાંઈ ખામીરે. જય જય...
તુજ વશ વગર વડી વડી વાતો, કહીએ સર્વ નકામીરે. જય જય...
તું ઈશ્વર અધિદેવ અમારો, ધીમંત અવિચળ ધામીરે. જય જય...
અશરણ શરણ સદા તું એકજ, સૃષ્ટિ સકળનો સ્વામીરે. જય જય...
તુજ ભક્તોપર સંકટ શત્રુ, શસ્ત્ર શકે ના ઉગામીરે. જય જય...
દલપતરામ કહે તુજ જશમાં, મુજ મનવૃત્તિ વિરામીરે. જય જય...
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 168)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
