ઈશ્વર છે તે વિષે
ishwar chhe te vishe
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
(મનહર છંદ)
પવન પ્રગટ નહીં પેખવામાં આવે પણ,
ઝાડોને હલાવે તેથી પવન જણાય છે;
નદી મધ્યે નીરતણું નિરખી નવીન પૂર,
દૂર વરસાદ થયો, દિલમાં મનાય છે;
દૂર દિસે દેવતા તે દૃષ્ટિએ દેખાય નહિ,
ધૂમાડો દેખીને દૂર દેવતા ધરાય છે;
તેમ કરતાર તણાં કામ દલપતરામ,
દેખી કરતાર છે એવું કહી શકાય છે.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 171)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
