hun khare tun kharo - Pad | RekhtaGujarati

હું ખરે તું ખરો

hun khare tun kharo

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
હું ખરે તું ખરો
નરસિંહ મહેતા

(રાગ કેદારો)

હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું રે હોઈશ ત્યાં લગી તું રે હઈશે.

હું જતે તું ગયો, અનિર્વાચી રહ્યો, હું વિના તું તુંને કોણ કહેશે ?

સગુણ હોય જ્યાં લગી નિર્ગુણ તાંહાં લગી, ત્યમ કહે સદગુરુ વાત સાચી;

સગુણ શમતાં ગયો છે નિર્ગુણ શમી, સુખપૂરણ રહ્યો રે અનિર્વાચી.

શિવ ને જીવનો ન્યાય તે એક છે, જીવ હોય તાંહાં લગી શિવ હોયે;

જીવ શમતાં શિવ-સાંસો શમાઈ ગયો. તળી જાય દ્વન્દ્વ-એ નામ દોયે.

તાહરા માહરા નામનો નાશ છે, જેમ લૂણ-નીર દૃષ્ટાંત જોતે;

મહેતો નરસૈં કહે : વસ્તુ વિચારતાં વસ્તુરૂપ થાશે રે વસ્તુ પોતે.

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997