હું તો પરણી મારા પ્રીતમની સંગાથ
Hu To Parni Mara Pritam ni Sangath
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
હું તો પરણી મારા પ્રીતમની સંગાથ,
વહાલમજી, હું તો પરણી...
બીજાનાં મીંઢળ નહીં રે બાંધું, હું તો પરણી...
ચારે ચારે જુગની વહાલે, ચોરીઓ ચિતરાવી રે હાં;
વહાલમજી, હું તો મંગળ વરતી છું બે ને ચાર. બીજાનાં...
રાજસી ભોજન રાણા, જમવાં નથી રે;
વહાલમજી, અમે પ્રેમના ટુકડા માગી ખાશું રે. બીજાનાં...
મોતીની માળા રાણા, કામ ન આવે રે હાં;
વહાલમજી, અમે તુલસીની માળા પહેરી રહીશું રે. બીજાનાં...
હીર તણાં ચીર મારે, કામ ન આવે રે હાં;
વહાલાજી, અમે ભગવાં પહેરીને નિત્ય ફરશું રે. બીજાનાં...
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર હાં;
વહાલમજી, હું તો તમને ભજીને થઈ છું ન્યાલ રે. બીજાનાં...
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 34)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
