tanrentudo sadgurushabde sutar farva lagyo - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તનરેંટુડો સદ્ગુરુશબ્દે, સૂતર ફરવા લાગ્યો

tanrentudo sadgurushabde sutar farva lagyo

પ્રીતમ પ્રીતમ
તનરેંટુડો સદ્ગુરુશબ્દે, સૂતર ફરવા લાગ્યો
પ્રીતમ

તનરેંટુડો સદ્ગુરુશબ્દે, સૂતર ફરવા લાગ્યો

થઈ મહેર ઘણી ગુરુદયાળે,

દિલનો ધોખો ભાંગ્યો. તન૦

શુભ કર્મ કાષ્ઠ રેંટિયો કીધો,

તે તો સુધડ સુતારે ઘડી દીધો;

બુધ્યમાનુનીએ માગી લીધો. તન૦

પચરંગી પાંખડિયું આરા,

થાંભલિયું તોરણિયા સારા;

ચિત્ત ચપળ ચમરખે રંગન્યારા. તન૦

અંતઃકરણ ઉઢાણી પ્રોયે,

એને અન્ન-ઉદક ઊંજણ જોઈએ;

દમ દામણિયો સુંદર સોહિયે. તન૦

તે મધ્યે જૈતન્ય માળ ફરે,

પરા પરા પૂણી પ્રાણ ધરે;

ત્રિવેણીત્રાકે તાર ભરે. તન૦

મનમાંકડી ચોક્કસ કરિયે,

ઘર મૂકી પરઘેર નવ ફરિયે;

એક ધ્યાન ધણી કેરું ધરિયે. તન૦

ગુણવંતી નાર કમાય ઘણું,

જેને બળ હોય હરિ-ગુરુ-સંતતણું;

તેને સહેજે : આવે શીલપણું. તન૦

કહે પ્રીતમ પ્રગટે પૂર્ણદશા

રસિયોજી આવી હૃદિયામાં વસ્યા;

તેનાં જન્મ-મરણ-દુઃખ દૂર ખસ્યાં. તન૦

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-૧ (પૃષ્ઠ ક્રમાંક 198)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981