રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો(કટારી)
બેની મારા રુદિયામાં લાગી રે,
મેરમની ચોધારી મારે કાળજે કટારી...૦
મારી કટારી મૂળદાસ કયે, જુગતે વિચારી જોઈ,
કળા બતાવી, કાયા તણી, કાળજ કાપ્યાં કોઈ;
(હૃદય કમળમાં રમી ગઈ, કાળજ કાપ્યાં કોઈ;)
કાળજ કાપ્યાં ને કરુણા કરી, કીધી મુજ પર મેર,
જોખો મટાડ્યો જમ તણો મને થઈ છે આનંદ લીલાલ્હેર રે...
– મેરમની ચોધારી મારે૦
પેલી કટારીએ પરીક્ષા કરી, બીજીએ સાંધ્યા બાણ,
ત્રીજી રમી ત્રણ ભુવનમાં ચોથીએ વીંધાણાં પ્રાણ;
પ્રાણ વીંધાણા ને પ્રીત બંધાણી દેખાડ્યો દશમો દ્વાર,
કુંચીએ કરસનજીને વિનવું મારી સુરતાની લેજો સંભાળ રે...
– મેરમની ચોધારી મારે૦
આ કટારી કોઈના કહ્યામાં નૈં, નૈં અણી નૈં ધાર,
ઘાયલ કરી ગઈ પાંજરું ઈ તો ગઈ છે આરંપાર;
વારી વારી કહું છું વિઠ્ઠલા, મારા અવગુણનો ધરશો મા સાર,
બેડીનો દેજો બૂડવા મારી બેડલી ઉતારજો ભવ પાર રે...
– મેરમની ચોધારી મારે૦
સાચા સતગુરુ શામ મળ્યા, જુગતે જાદવવીર,
મન પથ્થર હતા તે પાણી કર્યા, કીધાં નીર ભેળાં નીર;
પાય લાગું પરમેસરા, તમે દેખાડ્યું નિજ ધામ,
રામદાસ વચને મૂળદાસ બોલ્યા મારા ગુરુજીએ બતાવ્યું તરવાનું ઠામ રે...
– મેરમની ચોધારી મારે૦
સ્રોત
- પુસ્તક : મૂળદાસજીના કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 59)
- સંપાદક : ડૉ. નિરંજન રાજ્યગુરુ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1996