હોલો હોલી કહે છે રે
holo holi kahe chhe re
ધીરો
Dhiro
ધીરો
Dhiro
હોલો હોલી કહે છે રે, પ્રભુજી મારી વહારે ચઢો;
બચ્ચાં મારાં માંહે રે, તળે આવી ભીલ ખડો.
બાણ તાણીને ઊભો પારધી, ઉપર આવ્યો બાજ;
પોલારમાંથી સર્પ નીસરિયો, તેણે તો સરી ગયાં કાજ :
ગરુડનો ગામી રે, હરિ બિરદદાર બડો. હોલો...
વિનતિ સુણી વિઠ્ઠલ પરવરિયા, સાપ માટે નિરવાણ;
બિલને ઠેસતાં પારધીના, તતક્ષણ લીધા પ્રાણ :
બાણ ત્યાંથી છૂટ્યું રે, બાજ આવી હેઠો પડ્યો. હોલો...
જુઓ હરિ કેવા સંકટમોચન, બચ્ચાં બચાવ્યાં કૃપાળ;
કાળું કરનારનું કરતો કાળું, એવો એ દીનદયાળ :
કાળનો કાળ કાળો રે, પ્રહ્લાદની વહારે ચડ્યો. હોલો...
કઠણ વેળાએ કારજ કરશે, ભજન કરો ભય જાય;
સ્વામીસેવાનું ફળ અમોલે, અંત સમે કરે સહાય :
થાય હરિ ઊભો રે, કદી કાળ સામો તડૂક્યો. હોલો...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 44)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
