હેડી હેડી ગોઠાં કીજે
hedii hedii gothaan kiije
લખમાજી માળી
Lakhamaji Mali

હેડી હેડી ગોઠાં કીજે
મન માંહેલા હેડી હેડી
જેણી પેરે સદ્ગુરુ સાહેબો રીઝે.
મન કર બકરા તન કર સકરા, શબ્દું કા ઝટકા દીજે
કુબુદ્ધિ છાલરી દૂર કરીએ, તો તત્ત્વ તત્ત્વ ગણી લીજે
મન માંહેલા, હેડી હેડી ગોઠાં કીજે...
મન કર ચૂલા તન કર હંડી, સિધા સિધા આંધણ દીજે
કુબુદ્ધિ લકડી ઈંધણ કરીને, ફૂંક જ્ઞાન કી દીજે
મન માંહેલા, હેડી હેડી ગોઠાં કીજે...
લાલચ લસણ ક્રોધ કર કચરી, મમતારાં મરચાં વાટીજે
હલ્દી–ધાણાનો લોભ ન કીજે, તો સર્વ મસાલો વાટીજે
મન માંહેલા, હેડી હેડી ગોઠાં કીજે...
કોરા આંધણ દીજે કહો જી, તો ક્રોધ લકડીને ફૂંક દીજે
સબ સંતન મિલ પાવ બૈઠે, તો રુચતા રુચતા લીજે
દોય કર જોડી 'માળી લખમો' બોલ્યા, ભાવભર્યાં મન ભીંજે
મન માંહેલા, હેડી હેડી ગોઠાં કીજે...



સ્રોત
- પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 84)
- સંપાદક : ફારૂક શાહ
- પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
- વર્ષ : 2009