pankhino melo bhelo rahe kem bhai? - Pad | RekhtaGujarati

પંખીનો મેળો ભેળો રહે કેમ ભાઈ?

pankhino melo bhelo rahe kem bhai?

કેશવરામ હરિરામ ભટ્ટ કેશવરામ હરિરામ ભટ્ટ
પંખીનો મેળો ભેળો રહે કેમ ભાઈ?
કેશવરામ હરિરામ ભટ્ટ

પંખીનો મેળો ભેળો રહે કેમ ભાઈ?

કોઈ ક્યાંહિથી કોઈ કયાંહિથી આવે એમ તણાઇ પંખીo

તૂટે સાથ સર્વનો જ્યારે ખરચી જાય ખવાઈ;

કોણ સદૈવ રહે છે સાથે, પ્યારામાં પથરાઈ — પંખીo

દૂર રહીને દોરી ખેંચે, કૂડો કાળ કસાઈ;

જૂદું જૂદું સહુને જાવું, ધાર વિના ઘસડાઈ પંખીo

કોના સુત દારા ને સેવક, કોના બાંધવ બાઈ;

જુઠી માયા જુઠી કાયા, જુઠી સર્વ સગાઈ — પંખીo

સ્નેહ અને સંબંધ રડાવે, અંતરમાં અથડાઈ;

શોક તજો શાન્ત રહો શાણા, કેશવ હરિ ગુણ ગાઈ પંખીo

સ્રોત

  • પુસ્તક : સંગીત મંજરી (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સંપાદક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • પ્રકાશક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • વર્ષ : 1920
  • આવૃત્તિ : 2