harino marag chhe shurano - Pad | RekhtaGujarati

હરિનો મારગ છે શુરાનો

harino marag chhe shurano

પ્રીતમ પ્રીતમ
હરિનો મારગ છે શુરાનો
પ્રીતમ

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;

પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;

સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.

મરણ આગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;

તીરે ઊભો જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;

માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;

મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામઅમલમાં રાતા માતા, પૂરા પ્રેમીજન જોને;

પ્રીતમના સ્વામીની લીલા, નીરખે રજનીદિન જોને.

સ્રોત

  • પુસ્તક : પ્રીતમદાસની વાણી (પૃષ્ઠ ક્રમાંક 115)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1962