harijan hoy tene het ghanun raakhvun - Pad | RekhtaGujarati

હરિજન હોય તેણે હેત ઘણું રાખવું

harijan hoy tene het ghanun raakhvun

ભોજો ભગત ભોજો ભગત
હરિજન હોય તેણે હેત ઘણું રાખવું
ભોજો ભગત

હરિજન હોય તેણે હેત ઘણું રાખવું,

નિજ નામ ગ્રહીને નિર્માન રહેવું;

ત્રિવિધના તાપને જાપ જરણા કરી,

પરહરી પાપ રામ નામ લેવું... હરિજન૦

સર્વથી નરસ રહી સરસ સહુને કહી,

આપ આધીન થઈ દાન દેવું;

મન કર્મ વચને કરી નિજ ધર્મ આદરી,

દાતા ભોક્તા હરિ એમ કહેવું... હરિજન૦

અડગ ડોલવું અધિક બોલવું,

ખોલવી ગુંજ તે પાત્ર ખોળી;

દીન વચન દાખવું ગંભીરપણું રાખવું,

વિવેકીને કરવી વાત પોળી... હરિજન૦

અનંત નામ ઉચ્ચારવું તરવું ને તારવું,

રાખવી ભક્તિ તે રાંક દાવે;

ભક્ત ભોજો કહે ગુરુપ્રતાપથી,

ત્રિવિધના તાપ તેને નિકટ ના’વે… હરિજન૦

સ્રોત

  • પુસ્તક : ભોજા ભગતની વાણી (પૃષ્ઠ ક્રમાંક 100)
  • સંપાદક : મનસુખલાલ સાવલિયા
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
  • વર્ષ : 2001
  • આવૃત્તિ : દ્વિતીય આવૃત્તિ