બાપુસાહેબ ગાયકવાડ
Bapusaheb Gaekwad
હરિગુણ ગાય તેને હરિ જેવા જાણો,
સમજ્યા વિના તે મત શીદ તાણો;
તાણો, કે હરિને જાણો. હરિ...
જે કરે લાગા તેથી વહાલો ગયા આઘા,
સૂધું સમજ્યા નહિ તો બળ્ય એના વાઘા,
આત્મા ચીને નહિ તો મૂઆ ઢાંક્યા ને નાગા,
એના મનના સંશય નથી ભાગ્યા;
હરિનું નામ મૂકીને જો લે ૫હાણો,
પહાણો કે તેને જાણો. હરિ...
હરિને પાષાણ કહે તે જ ગાંડો,
એ તો સદા અખંડ છે ને ના થાય ખાંડો,
તમે સમજીને પગલાં માંડો.
હરિને જડ કહે તે જડ,
ત્યાં તો થઈ છે વઢાવઢ,
ત્યાં થઈ છે ભડાભડ;
જેણે શોધ્યું નહિ થડ,
તેનો ખર્યો કાયાગઢ.
સમજણ દીવો કર્યો રાણો,
રાણો, કે હરિને જાણો. હરિ...
હરિ કે હુકમ બિન પત્ર નહિ હાલે,
રૂડો ખેલ બનાવ્યો મારે વહાલે,
હરિજન તો મગ્ન થઈ મહાલે.
એને નેત્ર નહિ કરણ,
એને ભુજા નહિ ચરણ,
એને એકું નહિ વરણ,
એને આવે નહિ મરણ,
હરિ વસ્તુ તારણતરણ.
સાચી વાત કહું છું તેને છાણો.
છાણો, કે તેને જાણો. હરિ...
બાપુ સત નામ સમજે તે તો શાણો,
શાણો, કે તેને જાણો. હરિ...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 48)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
