હરિભજન વિના, દુ:ખદરિયા સંસારનો પાર ન આવે
Haribhajan Vina, Dukhdariya Sansarno Par Na Aave

હરિભજન વિના, દુ:ખદરિયા સંસારનો પાર ન આવે
Haribhajan Vina, Dukhdariya Sansarno Par Na Aave
પ્રીતમ
Pritam

હરિભજન વિના, દુઃખદરિયા સંસારનો પાર ન આવે;
જડબુદ્ધિ જીવ, સંત વિના શુદ્ધ મારગ કોણ બતાવે.
તેં અનેકવાર અવતાર ધર્યા, બહુ કર્મ તણા કોઠાર ભર્યા;
અઘઓઘ તણા અંબાર કર્યા. હરિ...
તું ઝાડ પહાણ જડ રૂપે રહ્યો, તેં શીત વૃષા બહુ તાપ સહ્યો;
તારો ક્લેશ કોણે નવ જાય કહ્યો. હરિ...
ફર્યો ચાર ખાણ લક્ષ ચોરાશી, થયો જળચર સ્થળચર નભવાસી;
માયાબંધનથી ન શક્યો નાસી. હરિ...
પામ્યો મનુષ્યદેહ તેમાં ન મણા, ધનધામ પુત્ર પરિવાર ઘણા;
હવે ગાઈ લે ગુણ ગોવિંદ તણા. હરિ...
કહે પ્રીતમ ચેતી લે પ્રાણી, એવું જનમ મરણનું દુઃખ જાણી;
શું સૂતો છે આળસ આણી. હરિ...



સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 76)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ