hari tune prasann te kem thaye - Pad | RekhtaGujarati

હરિ તુંને પ્રસંન તે ક્યમ થાયે

hari tune prasann te kem thaye

દયારામ દયારામ
હરિ તુંને પ્રસંન તે ક્યમ થાયે
દયારામ

હરિ તુને પ્રસંન તે ક્યમ થાયે,

તારા મનનું કપટ જાય;

તારા દિલનો છળ નવ જાય,

પ્રભુ તને પ્રસંન તે કેમ થાય. ટેકo

હરિકીર્તન હરિનામ રટણમાં,

અતિસેં આળસ તારે;

ડાચાકૂટ લવ પરનિંદામાં,

આખો દિવસ હારે. હરિo

પ્રભુનું પૂજન કરતી વેળા,

કાયા તાકી કંપે;

ગંજીફો સોકટાં કૂટતાં,

આઠે પહોર ઝંપે. હરિo

પ્રભુનું ચંદન નવ ઘસાય,

તુજ શ્રમથી શરીર બગડે;

કૂંડી કૂતકે મરી મસાલે,

ભાવે ભાંગ તું રગડે. હરિo

એકાદશી ઓચ્છવનું જાગરણ,

અતિ અઘરું તે લાગે;

ભવાઈ કે ગુણકાનૃત્ય જોવા,

જામિની આખી જાગે. હરિo

બે પૈસાની ગુરુ સેવા બતાવે,

ત્યાં ગણગણતું બોલે;

ઘરની સ્ત્રી સહેજ માગે ઘરેણું,

ત્યારે હરખમગન થઈ ડોલે. હરિo

ખોટાં મોતી કાચ કીડિયાં,

ભગવત ભૂષણ ઘાલે;

સોનું રૂપું મણિ મુક્તા વિના,

સ્ત્રી સુતને ના ચાલે. હરિo

હરિના ભક્તને લૂખું સૂકું,

વેઠ વળગી હોય જાણે;

સગાં સંબંધી ઘેર પરોણા આવે,

મિષ્ટાન્ન પીરસે ભાણે. હરિo

જગ દેખે ત્યાં જગને બેસે,

બાકી ના’ય ના ખાવા;

ગળાં કાપે ક્યમ થાએ ગળગળો,

વૈષ્ણવતા વાહવા. હરિo

કરવું ના કરવું,

એમ સહુને શિક્ષા દે છે;

તેમાંનુ તું કાંઈ નથી કરતો,

અનુચિત કર્મ કરે છે. હરિo

અંતરનો છળ અન્ય લેહે,

પણ જાણે અંતરજામી;

તો સાચાના સંગી છે,

દાસ દયાના સ્વામી. હરિo

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 99)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન સાહિત્ય મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ