હરિ તણું હેત તુને ક્યમ ગયું વીસરી
hari tanun het tune kyam gayun viisarii
નરસિંહ મહેતા
Narsinh Mehta
હરિ તણું હેત તુને ક્યમ ગયું વીસરી
hari tanun het tune kyam gayun viisarii
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
(રાગ કેદારો)
હરિ તણું હેત તુને ક્યમ ગયું વીસરી? પશુ રે ફેડી નરરૂપ કીધું;
હાડ ને છેડ કરી સહુ તુને હાંકતું, લાજ વધારી ને માન દીધું. હરિ૦
ઘાંચીનું ગાળિયું ગળેથી કાઢિયું, નેત્રના પાટા શ્રીનાથે છોડ્યા;
તે તણાં ચરણને નવ, કૃતઘ્ની! ભજે, તેં ન ગુણ-પાડના હાથ જોડ્યા. હરિ૦
પાય ઠોકી કરી, માગતો, મૂઢમતિ! ઘાસ-દાણો કરી શબ્દ ઝીણા,
આજ ગોવિંદ-ગુણ ગાઈને નાચતાં લાજ આવે તુને, કરમહીણા? હરિ૦
ડોક લાંબી કરી કાંકોલ ચાવતો, ઊંટ જાણી ઘણો ભાર લાદે;
આજ અમૃત જમ, હરખે હળવો ભમે, વૈકુંઠનાથને કાં ન સાધે? હરિ૦
પીઠ અંબાડી ને અંકુશ-ભાર સહી રેણુ ઉડાડતો ધરણી હેઠો;
આજચુઆ-ચંદન, આભરણ અંગ ધરી વેગે તું જાય છે વહેલ બેઠો. હરિ૦
અન્ન ને વસ્ત્ર ને ભવન ને ભૂષણ, આગે તેનો તુને હતો ઉધારો;
નરસૈંયાના સ્વામીએ સર્વ સારું કર્યું, તે પ્રભુને તમે કાં વિસારો? હરિ૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 94)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
