હરિ જેવો તેવો હું દાસ તમારો
Hari jevo tevo hu daas tamaro
દયારામ
Dayaram
દયારામ
Dayaram
હરિ જેવો તેવો હું દાસ તમારો
કરુણાસિંધુ ગ્રહો કર મારો. ટેકo
સાંકડાના સાથી શામળિયા, છો બગડ્યાના બેલી;
શરણ પડ્યો ખળ ખમિતકુકરમી, તદપિ ન મૂકો ઠેલી.
નિજ જન જૂઠાની જાતી લજ્જા, રાખો છો શ્રીરણછોડ;
શૂન્ય ભાગ્યને સફળ કરો છો, પૂરો વરદ બલ કોડ.
અવળનું સવળ કરો સુંદરવર, જ્યારે જન જાએ હારી;
અયોગ્ય યોગ્ય પતિત કરો પાવન, પ્રભુ દુઃખ–દુકૃત–હારી.
વિનતિ વિના રક્ષક નિજ જનના, દોષ તણા ગુણ માનો;
સ્મરણ કરતાં સંકટ ટાળો, ગણો ન મોટો નાનો.
વિકળ પરાધીન પીડા પ્રજાળો, અંતરનું દુઃખ જાણો;
આરતબંધુ સહિષ્ણુ અભયકર, અવગુણ ઉર નવ આણો.
સર્વેશ્વર સર્વાત્મા સ્વતંત્ર દયાપ્રીતમ ગિરિધારી;
શરણાગતવત્સલ શ્રીજી મારે, મોટી છે ઓથ તમારી.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 98)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન સાહિત્ય મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
