hari hari ratan kar kathan kalikaalmaan - Pad | RekhtaGujarati

હરિ હરિ રટણ કર કઠણ કળિકાળમાં

hari hari ratan kar kathan kalikaalmaan

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
હરિ હરિ રટણ કર કઠણ કળિકાળમાં
નરસિંહ મહેતા

(રાગ કેદારો)

‘હરિ હરિ’ રટણ કર કઠણ કળિકાળમાં, દામ બેસે નહીં કામ સરશે;

ભક્ત-આધીન છે શ્યામસુંદર સદા, તે તારાં કારજ સિદ્ધ કરશે. હરિ૦

અલ્પ સુખ સારું શું, મૂઢ! ફૂલ્યો ફરે? શીશ પર કાળ રહ્યો દંત કહે;

પામર! પલકની ખબર તુજને નહીં, મૂઢ! શું જોઈને મૂછ મરડે? હરિ૦

પ્રૌઢ પાપે કરી બુદ્ધિ પાછી ફરી, ૫રહરી થડ શું ડાળે વળગ્યો?

ઈશને ઈરષ્યા છે નહીં જીવ ૫ર, આપણે અવગુણે રહ્યો રે અળગો. હરિ૦

૫રપંચ ૫રહરો, સાર રુદિયે ધરો, ઊચરો મુખ ‘હરિ’, અચળ વાણી;

નરસૈંયા! હરિ તણી ભક્તિ ભૂલીશ નહીં, ભક્તિ વિના બીજું ધૂળધાણી. હરિ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994