hanso haalvaane laagyo - Pad | RekhtaGujarati

હંસો હાલવાને લાગ્યો

hanso haalvaane laagyo

ભાણસાહેબ ભાણસાહેબ
હંસો હાલવાને લાગ્યો
ભાણસાહેબ

હંસો હાલવાને લાગ્યો, કાયાનો ગઢ ભાંગ્યો,

તમે પોરા પરમાણે જાગો.

નિત નિત નીંદર નવ કરો નૈણે, સૂતાને સાહેબ આઘો,

સ્મરણ કરી લ્યો સાચા ધણીનું, તમે મોજ મુક્તાફળ માંગો

હંસો હાલવાને લાગ્યો...

જાગ્યા સોઈ નર સંસારમાં સિધ્યા, જેણે ઉજડ મેલ્યો આઘો

મારગ ધાયા તે બહોત સુખ પાયા, તેનો જરા–મરણ ભય ભાગ્યો

હંસો હાલવાને લાગ્યો...

જરા પ્હોંચી ત્યારે જમડા આવ્યા, દૈડી તણો દળ ભાંગ્યો

કૂડીએ આવી કાયાનો ગઢ ઘેર્યો, ત્યારે અંધો અરજવાને લાગ્યો

હંસો હાલવાને લાગ્યો...

કૂડી છે કાયા ને કૂડી છે માયા, જૂઠડો જુગ જાણો

સાચો નામ સાહેબ કો જાણો, ભણે લુહાણો ભાણો

હંસો હાલવાને લાગ્યો...

સ્રોત

  • પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સંપાદક : ફારૂક શાહ
  • પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
  • વર્ષ : 2009